'ગોલ્ડિલોક્સ સિચ્યુએશન' અને સ્થિર નીતિ
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વર્તમાન આર્થિક પરિસ્થિતિને ભારત માટે "ગોલ્ડિલોક્સ સિચ્યુએશન" ગણાવી છે. તેમણે જણાવ્યું કે મજબૂત ગ્રોથ અને સ્થિર ફુગાવા સાથે મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અત્યંત મજબૂત છે, જેમાં ગ્રોથ, ફુગાવો, કરન્ટ એકાઉન્ટ બેલેન્સ અને કેપિટલ ફ્લોઝનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ દેશને સાનુકૂળ સ્થિતિમાં મૂકે છે. RBI એ નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ બે ક્વાર્ટર માટે પણ જીડીપી ગ્રોથના અંદાજમાં સુધારો કર્યો છે, જેમાં એપ્રિલ-જૂન માટે 6.9% અને જુલાઈ-સપ્ટેમ્બર માટે 7% નો અંદાજ છે.
આર્થિક ગતિવિધિના મુખ્ય ચાલકબળો
આગળ જતા, સેન્ટ્રલ બેંક ઘણા મુખ્ય ક્ષેત્રો દ્વારા આર્થિક ગતિવિધિ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે. કૃષિ ઉત્પાદનને સારા જળાશય સ્તર અને મજબૂત રબી વાવેતરનો લાભ મળશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર કોર્પોરેટ પર્ફોર્મન્સમાં સુધારો અને અનૌપચારિક ક્ષેત્રમાં સ્થિર ગતિવિધિથી વેગ પકડશે, જ્યારે બાંધકામ ઉદ્યોગ મજબૂત રહેવાની ધારણા છે. સર્વિસ સેક્ટર પણ મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડના સહારે તેની સ્થિતિસ્થાપકતા જાળવી રાખશે. માંગ બાજુએ, ખાનગી વપરાશ (private consumption) તેની ઉપરની ગતિ જાળવી રાખશે. ગ્રામીણ માંગમાં કૃષિ પરિસ્થિતિ અને લેબર માર્કેટમાં સુધારાને કારણે સ્થિરતા રહેશે. શહેરી વપરાશ GST રેશનલાઈઝેશન અને મોનેટરી ઇઝિંગના કારણે વધુ મજબૂત બનવાની ધારણા છે. રોકાણ પ્રવૃત્તિ (investment activity) ઊંચી કેપેસિટી યુટિલાઈઝેશન, બેંક ક્રેડિટમાં વૃદ્ધિ, સાનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર સરકારના સતત ધ્યાનથી વેગ મેળવશે.