Ministry of Home Affairs એ સરકારી અધિકારીઓના નામ પર ચાલતા Deepfake વીડિયોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સ્કેમર્સ સોશિયલ મીડિયા પર ફેક સ્કીમ બતાવીને લોકો પાસેથી UPI દ્વારા પૈસા પડાવી રહ્યા છે.
શું છે આખું કૌભાંડ?
Ministry of Home Affairs હેઠળ કાર્યરત Indian Cyber Crime Coordination Centre એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સ્કેમર્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વડાપ્રધાન અને નાણામંત્રી જેવા વરિષ્ઠ અધિકારીઓના ફેક વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયો દ્વારા લોકોને સરકારી યોજનાઓમાં પૈસા મળવાની લાલચ આપીને ફસાવવામાં આવે છે.
કેવી રીતે થાય છે છેતરપિંડી?
આ છેતરપિંડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Facebook અને Instagram પર વધુ જોવા મળે છે. સ્કેમર્સ વીડિયોમાં એવી રીતે વાત કરે છે કે સામાન્ય માણસ તેને સાચું માની બેસે છે. એકવાર યુઝર રસ દાખવે એટલે તેને WhatsApp પર લઈ જવામાં આવે છે, જેમાં ઘણીવાર +92 જેવા ઈન્ટરનેશનલ કોડ ધરાવતા નંબરનો ઉપયોગ થાય છે.
UPI દ્વારા કેવી રીતે લૂંટાય છે પૈસા?
સ્કેમર્સ રજીસ્ટ્રેશન ફી, પ્રોસેસિંગ ચાર્જ કે ટેક્સના નામે લોકો પાસેથી UPI દ્વારા પૈસા માંગે છે. યાદ રાખો, કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારે પહેલા કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી. જો કોઈ પૈસાની માંગણી કરે, તો તે તરત જ સમજી લેવું કે આ એક છેતરપિંડી છે. ઘણીવાર સ્કેમર્સ UPI PIN જાણીને કે ફ્રોડ 'Collect Request' મોકલીને ખાતામાંથી પૈસા સાફ કરી નાખે છે.
શું સાવચેતી રાખવી?
- કોઈપણ સ્કીમની માહિતી ફક્ત ઓફિશિયલ વેબસાઈટ પર જ ચેક કરો.
- સોશિયલ મીડિયાની કોઈ પણ લિંક પર ક્લિક કરીને બેંકિંગ વિગતો કે OTP શેર ન કરો.
- અજાણી UPI રિક્વેસ્ટને ક્યારેય એપ્રૂવ ન કરો.
જો તમે કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા હોવ, તો તરત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
