ભારત સરકારની **₹1.27 લાખ કરોડ**ની Semicon 2.0 સ્કીમમાં હવે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોમર્શિયલ પ્રોડક્શન શરૂ ન થાય ત્યાં સુધી કંપનીઓ તેમની અસ્કયામતો (Assets) વેચી કે મોર્ગેજ કરી શકશે નહીં.
ભારત સરકારના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ આપવાના આ મોટા પ્રોગ્રામમાં નવા દિશાનિર્દેશો જાહેર થયા છે. આ નવી પોલિસી હેઠળ, સરકારી ઇન્સેન્ટિવ મેળવતી કંપનીઓ પર મિલકતના વેચાણ અને તેને ગીરો મૂકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ કંપનીઓને લાંબા ગાળા માટે મેન્યુફેક્ચરિંગ સાથે જોડી રાખવાનો છે.
માલિકી હક્ક અને ઇક્વિટીના કડક નિયમો
માત્ર એસેટ પર જ પ્રતિબંધ નહીં, પણ માલિકી હક્ક માટે પણ કડક શરતો રાખવામાં આવી છે. અરજદાર કંપનીએ ફિસ્કલ સપોર્ટ એગ્રીમેન્ટના સમગ્ર ગાળા દરમિયાન અને કોમર્શિયલ ઓપરેશન શરૂ થયાના 3 વર્ષ સુધી પોતાની પાસે ઓછામાં ઓછી 51% ઇક્વિટી શેર મૂડી જાળવી રાખવી પડશે. જો કંપનીમાં માલિકીના માળખામાં કોઈ ફેરફાર કરવો હોય, તો નોડલ એજન્સીની અગાઉથી મંજૂરી લેવી અનિવાર્ય છે.
ઇન્સેન્ટિવમાં કયા ખર્ચ સામેલ નહીં?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જમીન સંપાદન, ટેકનોલોજી ટ્રાન્સફર અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર થતા ખર્ચને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ગણવામાં આવશે નહીં. એટલે કે, ઇન્સેન્ટિવનો લાભ ફક્ત મુખ્ય મશીનરી અને ફેસિલિટીના નિર્માણ પર જ મળશે.
રોકાણકારોએ શું સમજવું?
આ નીતિગત ફેરફારો દર્શાવે છે કે સરકાર હવે શોર્ટ-ટર્મ ફાઇનાન્શિયલ ગેઈમ રમનાર કંપનીઓ સામે લાલ આંખ કરી રહી છે. જે કંપનીઓ પ્રોજેક્ટના શરૂઆતના તબક્કે એસેટ વેચીને અથવા ગીરો મૂકીને ફંડ ભેગું કરવાની ફિરાકમાં હોય, તેમના માટે હવે પ્રવેશ કરવો મુશ્કેલ બનશે. સેમીકન્ડક્ટર સેક્ટરમાં હવે માત્ર લાંબા ગાળાના ગંભીર ખેલાડીઓ જ ટકી શકશે.
