ભારત હવે BRICS દેશો સાથે મળીને પોતાનું સુપરકમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ ફંડ ઉભું કરવા જઈ રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લોબલ AI જાયન્ટ્સના વર્ચસ્વને ઘટાડીને સેમિકન્ડક્ટર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ડિજિટલ સાર્વભૌમત્વ સ્થાપિત કરવાનો છે.
નવી દિલ્હીમાં આગામી ૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાનાર ૧૮મી BRICS સમિટમાં ભારત ટેકનોલોજીના એજન્ડાને નવી દિશા આપવા જઈ રહ્યું છે. ભારત સરકારનો મુખ્ય હેતુ સભ્ય દેશો સાથે મળીને એવી સિસ્ટમ બનાવવાનો છે જે દુનિયાના મર્યાદિત AI અને સેમિકન્ડક્ટર જાયન્ટ્સના દબદબાને પડકારી શકે.
શું છે GRAIN પ્રોજેક્ટ?
આ પહેલના કેન્દ્રમાં 'Global Research Advanced Infrastructure Network' (GRAIN) છે. આ પ્લેટફોર્મ દ્વારા તમામ સભ્ય દેશોને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને સુપરકમ્પ્યુટર્સની સીધી એક્સેસ મળશે. અત્યારે મોટાભાગના દેશો માટે આ ટેકનોલોજીનો ખર્ચ ખૂબ વધારે છે, પરંતુ સંસાધનોના જોડાણથી આ અંતરાય દૂર થશે. ભારત પોતાના 'IndiaAI Mission' ના અનુભવનો ઉપયોગ કરીને આ દિશામાં મોટું નેતૃત્વ કરી રહ્યું છે.
રોકાણકારો માટે તક: સ્ટાર્ટઅપ ફંડ અને સેમિકન્ડક્ટર
માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ 'BRICS Startup Innovation Fund' અને ઇન્ક્યુબેટર નેટવર્ક બનાવવાની પણ યોજના છે. આનાથી ચિપ ડિઝાઇનિંગ અને ડીપ-ટેક ક્ષેત્રે કામ કરતી કંપનીઓ માટે નવા દરવાજા ખુલશે. ભારત પોતાના UPI અને Aadhaar મોડલની સફળતાને ધ્યાનમાં રાખીને એક એવું ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે, જે ભવિષ્યમાં સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનને મજબૂત બનાવશે.
પડકારો અને ભવિષ્યની રાહ
જોકે, આ મોટા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ દેશો વચ્ચે પોલીસીનું સંકલન ખૂબ જરૂરી છે. R&D અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવતો મોટો ખર્ચ સરકારી બજેટ પર અસર કરી શકે છે. રોકાણકારોએ આ સમિટના પરિણામો અને ફંડની જાહેરાતો પર નજીકથી નજર રાખવી જોઈએ, કારણ કે આગામી સમયમાં ભારતીય ટેક કંપનીઓ માટે આ એક લાંબા ગાળાની ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
