Milwaukee માં મળેલી G20 ટ્રેડ મીટિંગ કોઈ પણ સહમતિ વગર પૂરી થઈ છે, જે વૈશ્વિક વેપારમાં વધતી જતી સુરક્ષાવાદી નીતિઓ તરફ ઈશારો કરે છે. આ ઘટનાક્રમ ગ્લોબલ સપ્લાય ચેઈન અને એક્સપોર્ટના નિયમોમાં મોટી અનિશ્ચિતતા ઊભી કરી શકે છે.
વૈશ્વિક વેપારમાં કેમ આવી તિરાડ?
Milwaukee માં આયોજિત G20 ટ્રેડ મિનિસ્ટરિયલ મીટિંગમાં મોટા દેશો વચ્ચે ગંભીર મતભેદો જોવા મળ્યા છે. જોકે, ખાદ્ય પુરવઠાના ભૌગોલિક રાજકીય ઉપયોગને રોકવા પર સહમતિ સધાઈ હતી, પરંતુ ઈન્ડસ્ટ્રિયલ ઓવરકેપેસિટી, ફોર્સ્ડ લેબર અને MFN (Most-Favored-Nation) સિદ્ધાંતોમાં સુધારા જેવા મુદ્દાઓ પર કોઈ મજબૂત નિર્ણય લેવાયો નથી. આ સંયુક્ત નિવેદનનો અભાવ એ વાતનું પ્રતીક છે કે હવે વૈશ્વિક વેપારના જૂના અને સ્થિર નિયમો દબાણ હેઠળ છે.
અમેરિકા વિરુદ્ધ ભારત અને ચીન
ઘર્ષણનું મુખ્ય કારણ અમેરિકાની નવી ટ્રેડ પોલિસી છે, જે વેપારના જૂના નિયમો બદલવા માંગે છે. બીજી તરફ, ભારત અને ચીન જેવા દેશોએ WTO (World Trade Organization) ના સ્થાપિત નિયમોને જ વળગી રહેવાની હિમાયત કરી છે. મોટા અર્થતંત્રો હવે આંતરરાષ્ટ્રીય કરારોને બદલે રાષ્ટ્રીય સુરક્ષા અને ઘરેલું ઉદ્યોગ નીતિને આધારે એકપક્ષીય નિર્ણય લેવા તરફ વળ્યા છે.
ભારતીય માર્કેટ પર કેવી થશે અસર?
ભારત હંમેશા બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનું સમર્થન કરતું આવ્યું છે. જો ગ્લોબલ ટ્રેડમાં વધુ વિભાજન થશે, તો ભારતીય નિકાસકારો અને સપ્લાય ચેઈન પર આધારિત કંપનીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રાફિફ વોલેટિલિટી, વેપારમાં અવરોધો અને ગ્લોબલ ડિમાન્ડમાં અસ્થિરતા આવવાની શક્યતા છે.
રોકાણકારોએ સમજવું જોઈએ કે આ ફેરફાર કંપનીના બેલેન્સ શીટ પર સીધો પ્રહાર નથી, પરંતુ તે લાંબા ગાળાના બિઝનેસ વાતાવરણને બદલી શકે છે. એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ જેવા નિકાસ-લક્ષી સેક્ટર્સ પર તેની અસર આવનારા સમયમાં સ્પષ્ટ જોવા મળી શકે છે. હવે ભારતીય રોકાણકારોએ આગામી સમયમાં નિકાસ પ્રોત્સાહન અને ડોમેસ્ટિક ટ્રેડ પોલિસી પર નજર રાખવી અત્યંત જરૂરી છે.
