ચીફ ઇકોનોમિક એડવાઈઝર (CEA) V. Anantha Nageswaran એ ચેતવણી આપી છે કે અમેરિકા સાથેના અનિશ્ચિત વ્યાપારિક સંબંધો, અસ્થિર એનર્જી ભાવ અને AI સેક્ટરમાં ભારતનું પાછળ રહેવું ટૂંકા ગાળા માટે આર્થિક અવરોધ બની શકે છે.
ચીફ ઇકોનોમિક એડવાઈઝર V. Anantha Nageswaran એ તાજેતરમાં મુંબઈમાં એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટ દરમિયાન ભારતીય અર્થતંત્ર અંગે સાવધ વલણ અપનાવતા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતની આંતરિક આર્થિક સ્થિતિ મજબૂત છે, પરંતુ વૈશ્વિક સ્તરે અનેક પડકારો આપણી રાહ જોઈ રહ્યા છે.
US સાથે વ્યાપારિક તણાવ
Nageswaran એ ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને "Uneasy Equilibrium" ગણાવ્યા છે. ટેરિફ વિવાદો અને રશિયન ઓઈલ ખરીદવા બાબતે અમેરિકાના કડક કાયદાઓને કારણે બંને દેશો વચ્ચે અનિશ્ચિતતાનો માહોલ છે. આ સ્થિતિ વિદેશી રોકાણ અને રૂપિયાના મૂલ્ય પર અસર કરી શકે છે.
એનર્જી અને લોજિસ્ટિક્સ ખર્ચ
વૈશ્વિક બજારમાં કુદરતી ગેસ અને ફર્ટિલાઈઝરના ભાવમાં વારંવાર થતા ફેરફારો અને વધતા શિપિંગ ખર્ચને કારણે ભારતીય નિકાસકારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ આર્થિક મોરચે સતત દેખરેખ રાખવી જરૂરી છે.
'AI' થી પાછળ રહેવું ફાયદાકારક કે નુકસાનકારક?
એક ખૂબ જ રસપ્રદ નિરીક્ષણમાં, Nageswaran એ જણાવ્યું કે ભારતીય સ્ટોક માર્કેટમાં 'AI થીમ' નો અભાવ છે. જોકે, તેમનું માનવું છે કે વૈશ્વિક સ્તરે અત્યારે AI પાછળ જે આંધળુકું રોકાણ થઈ રહ્યું છે, તે ભવિષ્યમાં મોટા ઘટાડા (Correction) તરફ દોરી શકે છે. આવા સમયે, ભારત જેવા સ્થિર ગ્રોથ ડ્રાઈવર ધરાવતા દેશોમાં વિદેશી મૂડી ફરી વળવાની મોટી શક્યતા છે.
છેલ્લે, CEA એ આશ્વાસન આપ્યું છે કે ભારતનું 'Debt-to-GDP' રેશિયો અન્ય વિકસિત દેશો કરતા વધુ સ્થિર છે, જે લાંબા ગાળે આપણી મજબૂતી સાબિત કરશે.
