BRICS દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આગામી 18મી સમિટમાં કોઈ કોમન કરન્સીનો મુદ્દો એજન્ડામાં નથી. તેના બદલે, બ્લોક હવે નેશનલ પેમેન્ટ સિસ્ટમ્સ અને ડિજિટલ કરન્સીને જોડીને ટ્રેડિંગને વધુ સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
ન્યૂ દિલ્હીમાં 12 સપ્ટેમ્બર, 2026 થી શરૂ થનારી 18મી BRICS સમિટ પહેલા સભ્ય દેશોએ તેમના નાણાકીય એજન્ડા અંગે સ્પષ્ટતા કરી છે. ગ્રૂપે સત્તાવાર રીતે સિંગલ કે યુનિફાઇડ કરન્સી બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે. તેના બદલે, હવે એક સમાંતર ફાઈનાન્શિયલ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, જેથી ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ ઝડપી અને સસ્તા બને તથા વેસ્ટર્ન સિસ્ટમ પરની નિર્ભરતા ઘટે.
શું છે નવો પ્લાન?
અગાઉ એવી અટકળો હતી કે BRICS દેશો અમેરિકી ડોલરને ટક્કર આપવા નવી કરન્સી લાવશે, પરંતુ હવે તે શક્ય નથી. હવે ટેકનિકલ સોલ્યુશન્સ પર ભાર મૂકાશે. ભારતની UPI જેવી નેશનલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ્સને એકબીજા સાથે જોડવા અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો ઉપયોગ કરવા પર કામ થઈ રહ્યું છે. આનાથી વ્યવસાયો સીધા પોતાના સ્થાનિક ચલણમાં ટ્રેડિંગ કરી શકશે.
શા માટે સામાન્ય ચલણ શક્ય નથી?
ભારતે આ બાબતે સખત વલણ અપનાવ્યું હતું. સભ્ય દેશોના ઇન્ફ્લેશન રેટ, ઇન્ટરેસ્ટ રેટ અને આર્થિક લક્ષ્યો ખૂબ જ અલગ-અલગ છે. સિંગલ કરન્સી માટે દેશોએ પોતાની મોનેટરી પોલિસી પરનું નિયંત્રણ છોડવું પડે, જે માટે મોટા સભ્યો તૈયાર નથી.
રોકાણકારો માટે શું છે જોખમ?
SWIFT જેવી વૈશ્વિક સિસ્ટમનો સુરક્ષિત વિકલ્પ બનાવવો એ ટેકનિકલ અને સાયબર સિક્યુરિટીની દૃષ્ટિએ મોટો પડકાર છે. ઉપરાંત, ડોલરથી દૂર થવાના પ્રયાસોમાં અમેરિકા તરફથી સંભવિત પ્રતિબંધો કે દબાણનો સામનો કરવો પડી શકે છે. હાલમાં, બ્લોકનો આંતરિક વેપાર વૈશ્વિક વેપારના માત્ર 5% જેટલો છે. આગામી સમિટમાં ડિજિટલ પેમેન્ટ સ્ટાન્ડર્ડ્સ અને રેગ્યુલેટરી પાલન અંગે લેવાનારા નિર્ણયો પર રોકાણકારોની નજર રહેશે.
