McDonald's અમેરિકામાં એક મોટા કાનૂની વિવાદમાં ફસાયું છે. શિકાગોની કોર્ટમાં થયેલી અરજી મુજબ, કંપની પર પોતાના AI અલ્ગોરિધમ દ્વારા મેનૂ પ્રાઈસ નક્કી કરવાનો આરોપ લાગ્યો છે, જોકે કંપનીએ આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.
શું છે આ વિવાદ?
અમેરિકાની શિકાગો ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ક્લાસ-એક્શન અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે McDonald's પોતાના AI-સંચાલિત અલ્ગોરિધમનો ઉપયોગ સમગ્ર દેશમાં રેસ્ટોરન્ટના ભાવને નિયંત્રિત કરવા માટે કરે છે. અરજીકર્તાનું કહેવું છે કે, આ પ્રક્રિયા ફેડરલ એન્ટિટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે તે ફ્રેન્ચાઈઝીની પ્રાઈસિંગ આઝાદી પર તરાપ મારે છે. આરોપ મુજબ, કંપનીનો પ્રોપ્રાઈટરી પ્રાઈસિંગ એન્જિન ડેટાનો ઉપયોગ કરીને એવી રીતે મોડલ્સ બનાવે છે જે ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર કરે છે.
McDonald's નો બચાવ
આ આક્ષેપો સામે McDonald's નું મેનેજમેન્ટ આક્રમક દેખાઈ રહ્યું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે દરેક ફ્રેન્ચાઈઝી પોતાના લોકેશન પર ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. કંપનીના જણાવ્યા મુજબ, તેઓ જે AI અને એનાલિટિક્સ ટૂલ્સ આપે છે તે માત્ર એક બિઝનેસ સજેશન છે, કોઈ ફરજિયાત આદેશ નથી. તેમના મતે, આ ટૂલ્સ માત્ર ઓપરેશનલ એફિશિયન્સી વધારવા માટે છે, નહીં કે કોઈ પ્રકારની સાંઠગાંઠ કરવા માટે.
રોકાણકારો માટે શા માટે છે આ ચિંતાનો વિષય?
આ કેસ રોકાણકારો માટે એટલા માટે મહત્વનો છે કારણ કે McDonald's નું આખું મોડલ લગભગ 14,000 થી વધુ અમેરિકન રેસ્ટોરન્ટ્સના વિશાળ નેટવર્ક પર ટકેલું છે. જો કોર્ટનો ચુકાદો કંપનીની વિરુદ્ધ જાય, તો તેના ઓપરેશનલ સોફ્ટવેર અને ફ્રેન્ચાઈઝી સાથેના સંબંધો પર મોટી અસર પડી શકે છે. હાલમાં, બજારના નિષ્ણાતો કોર્ટ દ્વારા આ કેસને 'ક્લાસ-એક્શન' સ્ટેટસ આપવાના નિર્ણય પર નજર રાખી રહ્યા છે.
