ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. હવે સ્માર્ટફોન અને લેપટોપ કંપનીઓ સસ્તા મોડલ્સને બદલે મોંઘી એટલે કે પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર વધુ ધ્યાન આપી રહી છે, જેથી પ્રોફિટ માર્જિન વધારી શકાય.
ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ અત્યારે એક મોટા ટ્રાન્ઝિશનમાંથી પસાર થઈ રહ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા પર નજર કરીએ તો, માર્કેટમાં નવા પ્રોડક્ટ વેરિયન્ટ્સની કુલ સંખ્યા 257 પર સ્થિર છે, પરંતુ યુનિક મોડલ્સની સંખ્યા 153 થી ઘટીને 144 થઈ ગઈ છે. આ સ્પષ્ટ સંકેત છે કે કંપનીઓ હવે ઓછા મોડલ્સમાં વધુ વેરિયન્ટ્સ લોન્ચ કરીને ગ્રાહકોને પ્રીમિયમ સેગમેન્ટ તરફ ધકેલી રહી છે.
સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ તેજી
સ્માર્ટફોનના બેઝ-કોન્ફિગરેશન લોન્ચિંગ પ્રાઈસમાં વાર્ષિક ધોરણે 14% નો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ₹1 લાખથી વધુ કિંમતના અલ્ટ્રા-પ્રીમિયમ ફોન્સમાં તોફાની વધારો થયો છે. ગત ક્વાર્ટરમાં આ શ્રેણીમાં માત્ર 5 નવા મોડલ્સ હતા, જે આ વખતે વધીને 26 પર પહોંચ્યા છે. રોકાણકારો માટે આ એક મિશ્ર સંકેત છે; એક તરફ માર્જિન સુધરશે, તો બીજી તરફ પ્રાઈસ-સેન્સિટિવ ભારતીય માર્કેટમાં વોલ્યુમ ગ્રોથ સામે પડકારો ઊભા થઈ શકે છે.
લેપટોપ અને ટીવી સેગમેન્ટની સ્થિતિ
લેપટોપ સેગમેન્ટમાં તો સ્થિતિ વધુ સ્પષ્ટ છે: 50% થી વધુ નવા લેપટોપ્સ ₹1.5 લાખથી વધુની કિંમતના છે. ખાસ કરીને ₹50,000 થી ₹75,000 ની મિડ-રેન્જ શ્રેણીમાં માત્ર 3 નવા મોડલ્સ જોવા મળ્યા છે. આ દરમિયાન માર્કેટમાં પણ Consolidation જોવા મળ્યું છે, જેમાં લેપટોપ બ્રાન્ડ્સની સંખ્યા 13 થી ઘટીને 8 થઈ ગઈ છે, જેમાં Asus જેવી કંપનીઓનું વર્ચસ્વ વધ્યું છે.
ટીવી માર્કેટમાં પણ LG જેવી દિગ્ગજ કંપનીઓ OLED ડિસ્પ્લે અને પ્રીમિયમ પ્લેટફોર્મ પર ધ્યાન આપી રહી છે. ખાસ કરીને ₹10,000 થી સસ્તા સ્માર્ટફોન અને ₹30,000 થી સસ્તા ટેલિવિઝન મોડલ્સ મળવા હવે મુશ્કેલ બની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કંપનીઓની આ 'પ્રીમિયમ ફર્સ્ટ' વ્યૂહરચના ગ્રાહકોના ખિસ્સા પર કેટલી ભારે પડે છે અને માર્કેટના વોલ્યુમ પર તેની શું અસર થાય છે.
