ઓટો સેક્ટર માટે બ્રોકરેજ હાઉસ Nomura એ સકારાત્મક વલણ અપનાવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ વેચાણમાં થયેલા મજબૂત વધારાને જોતા કંપનીઓએ સારું પ્રદર્શન કર્યું છે, જોકે વધતા કાચા માલના ભાવ અને વધતી ઇન્વેન્ટરી નફાના માર્જિન પર દબાણ લાવી શકે છે.
બ્રોકરેજ ફર્મ Nomura એ ભારતીય ઓટો સેક્ટર અંગે પોઝિટિવ આઉટલુક રજૂ કર્યું છે. સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ-વ્હીલર બંને સેગમેન્ટમાં શાનદાર રિટેલ પર્ફોર્મન્સ જોવા મળ્યું છે. આ અહેવાલ મુજબ, Mahindra & Mahindra, Hyundai Motor India, Ather Energy, TVS Motor અને Sona BLW Precision Forgings જેવી કંપનીઓ પર બ્રોકરેજ અત્યારે પણ ફિદા છે.
વધતી ઇન્વેન્ટરી ચિંતાનો વિષય?
સપ્ટેમ્બર મહિનામાં પેસેન્જર વ્હીકલનું ડીલર્સ સુધીનું ડિસ્પેચ 21% વધ્યું છે, જ્યારે રિટેલ વેચાણનો આંકડો 26% રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે ઉત્પાદન કરતા માંગ વધારે છે. જોકે, આ ગેપને કારણે ડીલર્સ પાસે ઇન્વેન્ટરીમાં 58,000 જેટલા વધારાના વાહનો જમા થયા છે. રોકાણકારો માટે આ બાબત મહત્વની છે, કારણ કે હાઈ ઇન્વેન્ટરીને કારણે ભવિષ્યમાં ડિસ્કાઉન્ટ આપવું પડે તો કંપનીઓના નફાના માર્જિન પર સીધી અસર પડી શકે છે.
બીજી તરફ, ટુ-વ્હીલર સેગમેન્ટમાં 35% નો ઉછાળો નોંધાયો છે, જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં 87% ના વધારા સાથે 205,500 યુનિટ્સનું વેચાણ થયું છે, જે ઉદ્યોગ માટે એક ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
ખર્ચ અને માર્જિનનું જોખમ
Nomura એ આગામી સમય માટે ચેતવણી પણ આપી છે. સ્ટીલ, કોપર અને ક્રૂડ ઓઈલ જેવા કાચા માલના વધતા ભાવ કંપનીઓ માટે પડકારરૂપ છે. જો કંપનીઓ આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી શકે તો જ તેઓ પોતાના માર્જિન બચાવી શકશે. ખાસ કરીને ટુ-વ્હીલર અને કોમર્શિયલ વ્હીકલ કંપનીઓ પાસે પ્રાઈસિંગ પાવર વધુ છે, જ્યારે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં આ મુશ્કેલ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેક્ટર સેગમેન્ટમાં વોલ્યુમમાં 21% નો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ તહેવારોની સિઝનમાં ફેરફાર અને ગત વર્ષનું ઊંચું બેઝ છે.
