ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો (FPIs) સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. આ ચિંતા વચ્ચે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferies એ સરકારને કેપિટલ ગેઈન્સ ટેક્સ ઘટાડવા જેવી મોટી ઓફર આપી છે, જેથી ભારતીય માર્કેટમાં વિદેશી મૂડીનો પ્રવાહ જળવાઈ રહે.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય બજારોમાંથી લગભગ $16.5 અબજ જેટલી અધધ રકમ પાછી ખેંચી લીધી છે. ગત વર્ષે પણ $21 અબજનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જેના કારણે રૂપિયા પર દબાણ અને માર્કેટમાં વોલેટિલિટી વધી છે. આ સ્થિતિને સંભાળવા Jefferies એ સરકાર સમક્ષ ટેક્સ પોલિસીમાં ફેરફાર કરવાના ત્રણ રસ્તા સૂચવ્યા છે.
શું છે Jefferies ના ત્રણ મોટા પ્રસ્તાવ?
Jefferies ના મતે, વિદેશી રોકાણને આકર્ષવા માટે નીચે મુજબના પગલાં લઈ શકાય:
૧. તમામ રોકાણકારો માટે Long-Term Capital Gains (LTCG) અને Short-Term Capital Gains (STCG) ટેક્સના દરમાં સીધો ઘટાડો કરવો.
૨. વિદેશી રોકાણકારો માટે સ્પેશિયલ ટેક્સ કટ આપવો જેથી રોકાણના અવરોધો દૂર થાય.
૩. વિદેશી રોકાણકારોને તેમના નફાની ગણતરી યુએસ ડોલરમાં કરવાની છૂટ આપવી, જેનાથી કરન્સી ડેપ્રિસિએશનને કારણે લાગતો ટેક્સનો બોજ ઘટી શકે.
લાર્જ-કેપ શેરો પર અસર
જો સરકાર આ પ્રસ્તાવોનો સ્વીકાર કરે, તો સૌથી વધુ ફાયદો લાર્જ-કેપ શેરોને થવાની શક્યતા છે. ભારતમાં વિદેશી રોકાણ મુખ્યત્વે બેન્કિંગ સેક્ટરમાં આવતું હોય છે. આ ઉપરાંત એનર્જી, યુટિલિટી અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ ફરીથી વિદેશી રોકાણનો રસ જોવા મળી શકે છે.
શું છે પડકારો?
જોકે, આ માત્ર એક સલાહ છે. સરકાર માટે મોટો પડકાર ટેક્સની આવકમાં થતો ઘટાડો છે. આ સિવાય, અમેરિકાના ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા પરિબળો પણ માર્કેટ પર અસર કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી સરકારે આ દિશામાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
