તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે NBFCs એ ઓફર્સનો મારો ચલાવ્યો છે. લોન ગ્રોથ તો વધશે પણ શું કંપનીઓ પોતાનો નફો જાળવી શકશે? આ સવાલ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
ભારતીય રિટેલ લેન્ડિંગ માર્કેટમાં દિવાળીની સિઝન સાથે જ તેજીનો માહોલ છે. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે NBFCs પ્રોસેસિંગ ફી માફી, ઓછા વ્યાજ દર અને ગોલ્ડ કોઈન્સ જેવી લાલચ આપી રહી છે. ઈન્ડસ્ટ્રીના ડેટા મુજબ, પર્સનલ લોન સેગમેન્ટમાં 46% જેટલો હિસ્સો હવે NBFCs પાસે છે, જે દર્શાવે છે કે રિટેલ ક્રેડિટ ગ્રોથમાં તેમનું વર્ચસ્વ કેટલું મજબૂત છે.
કોણ છે મેદાનમાં?
Poonawalla Fincorp, Bajaj Finance અને HDB Financial Services જેવી કંપનીઓ 9.99% થી શરૂ થતા વ્યાજ દર સાથે મેદાનમાં ઉતરી છે. સામે પક્ષે Axis Bank અને Punjab National Bank પણ પોતાની માર્કેટ શેર બચાવવા માટે ફી માફી અને કોલેટરલ-ફ્રી લોનની સ્કીમ્સ લઈને સક્રિય થયા છે.
રોકાણકારો માટે 'બેલેન્સિંગ એક્ટ'
વધારે લોન એટલે વધારે આવક - આ તો સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ ફંડિંગ કોસ્ટ (Funding Cost) સતત વધી રહી છે. જ્યારે લોન મેળવવા માટે વ્યાજ દરો ઘટાડવામાં આવે છે, ત્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (Net Interest Margin - NIM) પર સીધું દબાણ આવે છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે કંપનીઓ હવે હાઈ-રિસ્ક પર્સનલ લોન સેગમેન્ટમાંથી પોર્ટફોલિયોને રિસ્ક-ફ્રી કરવામાં લાગી છે.
કયા રિસ્ક પર નજર રાખવી?
માર્જિનના દબાણ ઉપરાંત, અનસિક્યોર્ડ (Unsecured) લોનનો વધતો વ્યાપ પણ ચિંતાજનક છે. જો અર્થતંત્રમાં મંદી આવે અથવા બોરોઅર્સની ચૂકવણી ક્ષમતા ઘટે, તો NPA માં વધારો થઈ શકે છે. આગામી ક્વાર્ટરના રિઝલ્ટમાં રોકાણકારોએ ખાસ કરીને નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIM), ફંડિંગ કોસ્ટ અને બેડ લોનના આંકડાઓ પર બાજ નજર રાખવી પડશે.
