ઓગસ્ટ **2026**માં ભારતીય બેંકોની લોન વિતરણમાં **19.1%** નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં વધેલી માંગને કારણે આ આંકડા પ્રોત્સાહક છે, જ્યારે ગોલ્ડ લોનમાં ગ્રોથ થોડો નરમ પડ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ, ભારતીય બેંકોની કુલ ધિરાણ ક્ષમતામાં વાર્ષિક ધોરણે 19.1% નો વધારો થયો છે. આ આંકડા દર્શાવે છે કે હવે નાણાંનો પ્રવાહ માત્ર રિટેલ લોન પૂરતો સીમિત ન રહેતા, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રે વહેવા લાગ્યો છે, જે આર્થિક રિકવરી માટે સારો સંકેત છે.
ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં માંગમાં વધારો
ઓગસ્ટ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને અપાયેલી લોનમાં 18.2% નો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જે ગયા વર્ષે માત્ર 7% હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ, કેમિકલ્સ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં આ પ્રવૃત્તિ સ્પષ્ટ જણાય છે. સર્વિસ સેક્ટરમાં તો આ ગ્રોથ 24.3% રહ્યો છે, જે સાબિત કરે છે કે કંપનીઓ પોતાના ઓપરેશન અને વિસ્તરણ માટે મૂડી ખર્ચ વધારી રહી છે.
ગોલ્ડ લોનમાં ઘટાડો અને ખેતી ક્ષેત્રે રિકવરી
છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ગોલ્ડ લોન માર્કેટમાં પણ હવે ઠંડક જોવા મળી રહી છે. ઓગસ્ટમાં ગોલ્ડ-બેક્ડ લોનનો ગ્રોથ ઘટીને 83.2% પર આવી ગયો છે, જે એક વર્ષ પહેલા 130.2% ના આસમાને હતો. બીજી તરફ, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેના ધિરાણમાં પણ સુધારો થયો છે, જે ગયા વર્ષના 7.6% સામે વધીને 17.2% નોંધાયો છે.
રોકાણકારો માટે આ વિવિધીકરણ ખૂબ જ મહત્વનું છે. જ્યારે બેંકો માત્ર એક સેક્ટરને બદલે કૃષિ, સર્વિસ અને મોટા ઉદ્યોગોમાં લોન ફાળવે છે, ત્યારે તેમનું જોખમ પણ વહેંચાઈ જાય છે. હવે જોવાનું એ રહેશે કે શું ડિપોઝિટ ગ્રોથ પણ આ લોન માંગની સામે ટકી શકશે કે કેમ, કારણ કે બેંકિંગ સિસ્ટમની લાંબાગાળાની સ્થિરતા માટે પૂરતી ડિપોઝિટ અનિવાર્ય છે.
