ભારત સરકારના ગ્લોબલ ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગને આકર્ષવાના મોટા પ્રયાસને મોટો ઝટકો લાગ્યો છે. નિર્ધારિત સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં, એકપણ કંપનીએ આ સ્કીમ માટે અરજી કરી નથી.
ભારત સરકારના Ministry of Heavy Industries દ્વારા લોન્ચ કરવામાં આવેલી 'Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India' (SPMEPCI) સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. ઓક્ટોબર 2025 ની ડેડલાઈન સુધી એકપણ કંપનીએ આ પ્રોગ્રામમાં રસ દાખવ્યો નથી. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય કસ્ટમ ડ્યુટીમાં રાહત આપીને વિદેશી EV મેન્યુફેક્ચરર્સને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા પ્રોત્સાહિત કરવાનો હતો.
આટલી કડક શરતો કેમ બની અવરોધ?
આ સ્કીમની નિષ્ફળતા પાછળનું મુખ્ય કારણ તેની કડક શરતો છે. કંપનીઓએ આમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછું ₹4,150 કરોડ (આશરે $500 મિલિયન) નું રોકાણ કરવું અનિવાર્ય હતું. આટલા મોટા કેપિટલ એક્સપેન્ડિચરની સાથે સરકારે 3 વર્ષમાં 25% અને 5 વર્ષમાં 50% લોકલ સોર્સિંગની શરત પણ રાખી હતી. વૈશ્વિક કંપનીઓ માટે તેમની સ્થાપિત સપ્લાય ચેઈનને તોડીને ભારતમાં નવો પ્લાન્ટ નાખવો અત્યારે આર્થિક રીતે પરવડે તેમ નહોતું.
પોલિસી અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત
ઘણી વૈશ્વિક ઓટોમેકર્સ અત્યારે હાઈ-એન્ડ EV માર્કેટમાં અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. આ સ્કીમમાં ₹5,000 કરોડનું રેવન્યુ ટાર્ગેટ મેળવવાની શરત અને પેનલ્ટીના ડરને કારણે રોકાણકારોએ દૂર રહેવાનું પસંદ કર્યું. 15% ની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો આ મોટા જોખમો સામે ઓછો લાગ્યો.
આગળ શું થશે?
જોકે આ સ્કીમ નિષ્ફળ ગઈ છે, પરંતુ સરકાર PM E-DRIVE જેવી અન્ય યોજનાઓ દ્વારા EV સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે. હવે સંસદીય સમિતિઓએ પણ સ્કીમના માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પોતાની શરતોમાં કેટલી નરમાશ લાવે છે.
