Bajaj Auto એ બ્રાઝિલના મનાઉસમાં એક નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું છે, જ્યાં હવે KTM અને Husqvarna મોટરસાઇકલનું ઉત્પાદન થશે. આ પગલું ટેક્સ બચાવવા અને નુકસાનમાં ચાલી રહેલા KTM બ્રાન્ડને ફરીથી નફાકારક બનાવવા માટે લેવામાં આવ્યું છે.
બ્રાઝિલમાં લોકલ મેન્યુફેક્ચરિંગનો પ્લાન
પુણે સ્થિત Bajaj Auto હવે વિદેશી માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આક્રમક રણનીતિ અપનાવી રહી છે. કંપનીએ બ્રાઝિલના મનાઉસ ફ્રી-ટ્રેડ ઝોનમાં પોતાનો નવો પ્લાન્ટ સ્થાપ્યો છે. અગાઉ કંપની Dafra Motos સાથે ભાગીદારીમાં કામ કરતી હતી, પરંતુ હવે સીધું ઉત્પાદન કરીને કંપની સપ્લાય ચેઈનને વધુ સારી અને સ્ટાન્ડર્ડ બનાવશે.
આર્થિક પડકારો અને રિસ્ટ્રક્ચરિંગ
કંપનીની પેરેન્ટ એન્ટિટી Bajaj Mobility AG માટે હાલનો સમય થોડો પડકારજનક છે. પ્રથમ છ મહિનામાં કંપનીની રેવન્યુ 65% વધીને 701.4 મિલિયન યુરો રહી છે, પરંતુ ઓપરેટિંગ લોસ 24.8 મિલિયન યુરો અને નેગેટિવ ફ્રી કેશ ફ્લો 22.1 મિલિયન યુરો હોવાથી સ્થિતિ ચિંતાજનક છે. ખર્ચ ઘટાડવા માટે કંપનીએ 500 કર્મચારીઓની છટણી કરવાનો પણ નિર્ણય લીધો છે.
પ્રોડક્શન અને ટાર્ગેટ
આ નવા પ્લાન્ટમાં 20 મિલિયન બ્રાઝિલિયન રિયલનું રોકાણ કરવામાં આવ્યું છે. કંપનીનું લક્ષ્ય 2026 ના અંત સુધીમાં 3,500 બાઇક્સ બનાવવાનું છે, જે 2027 સુધીમાં વધીને 8,000 યુનિટ્સ સુધી પહોંચી શકે છે. 15 સ્થાનિક સપ્લાયર્સ પાસેથી 80 જેટલા પાર્ટ્સ મેળવીને કંપની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવા માંગે છે, જેથી બાઇકની કિંમત સ્થાનિક ગ્રાહકો માટે સ્પર્ધાત્મક બની રહે.
