એક્ટિવિસ્ટ અરુણા રોડ્રિગ્સે હર્બિસાઈડ-ટોલરન્ટ GM બાસમતી ચોખાની મંજૂરી સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. સરકારે વર્ષ 2024ના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે, જે એગ્રી સેક્ટર માટે મોટા નિયમનકારી જોખમો ઊભા કરી શકે છે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં સરકારી અધિકારીઓ સામે કન્ટેમ્પટ એટલે કે અવમાનનાની કાર્યવાહી માટે તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. આ મામલો જુલાઈ 2024 માં કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના ઉલ્લંઘન સાથે જોડાયેલો છે. તે સમયે કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, કોઈપણ GM પાકના કોમર્શિયલ લોન્ચ પહેલા સરકારે મલ્ટી-સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન સાથે એક વ્યાપક રાષ્ટ્રીય પોલિસી તૈયાર કરવી જોઈએ.
વિવાદનું મુખ્ય કારણ
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદાકીય સુરક્ષાને બાજુ પર મૂકીને હર્બિસાઈડ-ટોલરન્ટ (HT) બાસમતી ચોખાની જાતોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને 'RobiNOweed' જેવી બ્રાન્ડ્સ અને 'Kamla' (DRR Rice 100) જેવી જીન-એડિટેડ ચોખાની જાતોને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
એગ્રી અને એક્સપોર્ટ સેક્ટર પર અસર
ભારત વિશ્વમાં બાસમતી ચોખાનો મોટો નિકાસકાર છે, જેનું વાર્ષિક ટર્નઓવર $12 અબજ થી વધુ છે. નિષ્ણાતોના મતે, GM સ્ટ્રેન્સના અનિયંત્રિત ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણનું જોખમ વધી શકે છે. જો આંતરરાષ્ટ્રીય ખરીદદારો જીનેટિક કન્ટેમિનેશનની આશંકા વ્યક્ત કરે, તો ભારતની નોન-GMO બાસમતી ચોખા તરીકેની છબી અને નિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે.
આગામી માર્ગ
હવે તમામ નજર સુપ્રીમ કોર્ટ પર છે. જો કોર્ટ આ GM જાતોની ખેતી કે વ્યાપારીકરણ પર સ્ટે (Stay) લગાવે છે, તો સીડ કંપનીઓ અને એગ્રી-ટેક ફર્મ્સના ઓપરેશન્સ ખોરવાઈ શકે છે. આ કેસમાં પર્યાવરણ મંત્રાલય, કૃષિ મંત્રાલય અને જેનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી (GEAC) ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
